શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ GIDC વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી જાહેર માર્ગ પર કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી સ્થાનિક રહીશો અને નોકરિયાત વર્ગ ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ઓઢવ ફાયર સ્ટેશન BRTS બસ સ્ટેન્ડની સામે, એલ રોડ નંબર 23, ચામુંડા માતાજી મંદિર,TK પેટ્રોલ પંપ અનેSBI બેંક આસપાસના મુખ્ય માર્ગ પર રોજબરોજ કેમિકલયુક્ત પાણી ભરાયેલા રહે છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ વિસ્તાર ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલો હોવાથી અહીંથી દરરોજ હજારોની સંખ્યામાં શ્રમિકો, કામદારો અને નોકરિયાત મહિલાઓ પગપાળા તેમજ વાહનો લઈને અવરજવર કરે છે. રસ્તા પર સતત ભરાયેલા રહેતા આ જોખમી કેમિકલયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવું લોકોની મજબૂરી બની ગઈ છે. આ પાણીના કારણે ચામડીના રોગો તેમજ અસહ્ય દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા અંગે AMC અને જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો અને દરખાસ્તો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની ઘોર બેદરકારીનો ભોગ સામાન્ય જનતા અને મજૂર વર્ગ બની રહ્યો છે. સ્થાનિકો અને રાહદારીઓની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ ઉગ્ર માંગ અને અપીલ છે કે જાહેર માર્ગ પર કેમિકલયુક્ત પાણી છોડતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ગંદા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરીને લોકોને આ યાતનામાંથી મુક્તિ અપાવવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો