શહેરના વટવા-ઘોડાસર મુખ્ય માર્ગ પર આવેલા ઉત્સવ એપાર્ટમેન્ટ પાસે છેલ્લા પખવાડિયાથી ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહેવાસીઓ તેમજ રોજના હજારો વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી વિરામ છતાં તંત્રની ઘોર લાપરવાહીને કારણે રહીશો ગંદકી અને દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
એક સપ્તાહ પહેલાં શરૂ થયેલા વરસાદે છેલ્લા પાંચ દિવસથી વિરામ લીધો છે, આમ છતાં ઉત્સવ એપાર્ટમેન્ટ સામે આવેલા ગટરના ચેમ્બરમાંથી સતત ગંદુ પાણી ઉભરાઈને રસ્તા પર વહી રહ્યું છે. રસ્તા પર ભરાયેલા કેમિકલયુક્ત અને દૂષિત પાણીના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેનાથી સ્થાનિકોનું જીવવું હરામ થઈ ગયું છે. ચોમાસાની ઋતુમાં એક તરફ્ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભય રહેલો છે, ત્યારે રસ્તા પર ખુલ્લામાં ઉભરાતી ગટરના કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધ્યો છે. જો તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરવામાં નહીં આવે, તો આસપાસના વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
