અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇન્દ્રપુરી વોર્ડમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ખારીકટ કેનલ પાસે આવેલી ઈશ્વરલીલા પાર્ક સોસાયટીમાં બિલેશ્વર મહાદેવ મંદિર નજીક છેલ્લા એક સપ્તાહથી ગટરની લાઇન ઉભરાતા રોડ પર ગંદા પાણી ફરી વળ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો અને પવિત્ર વ્રત કરી રહેલી કુમારિકાઓ અતિશય હાલાકી ભોગવી રહી છે.

હાલમાં જયા પાર્વતી અને ગૌરી વ્રતનો પવિત્ર સમય ચાલી રહ્યો છે, ત્યારે સોસાયટીમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં કુમારિકાઓ અને મહિલાઓ ઉમટી પડે છે. પરંતુ મંદિરના મુખ્ય માર્ગ પર જ ગટરના ગંદા પાણીનો ભરાવો હોવાથી વ્રતધારી બાળાઓ અને મહિલાઓને પૂજાની થાળી પકડીને ગંદા પાણીમાંથી ચાલીને જવાની ફરજ પડી રહી છે. પવિત્ર વાતાવરણ વચ્ચે આ પ્રકારની અસ્વચ્છતાથી ધાર્મિક શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા સાત-સાત દિવસથી ગટરના પાણી ભરાઈ રહેતા સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે. સોસાયટીના રહીશોને ઘરના બારી-બારણાં બંધ રાખવા પડે છે અને રોજિંદી અવરજવર માટે પણ નરકાગાર જેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે.