એક તરફ્ સ્માર્ટ સિટીના બણગાં ફૂંકવામાં આવે છે, તો બીજી તરફ્ ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં સ્થિતિ અત્યંત દયનીય છે.


લાઈબ્રેરી પાસે લાઈન નાખવાની કામગીરીમાં થયેલા લિકેજને કારણે પીવાના પાણીમાં ભયંકર વાસ આવી રહી છે. અંબિકાનગર અને તેની આસપાસની 20થી વધુ સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હોવાની વ્યાપક ફ્રિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાણી એટલું પ્રદૂષિત છે કે તેનો ઉપયોગ કરવાથી ગમે ત્યારે રોગચાળો ફટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે.

આ અંગે સ્થાનિકો ફરિયાદ કરતાં જણાવ્યું કે, અંબિકાનગરમાં આવેલી લાઈબ્રેરી પાસે હાલમાં નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામ દરમિયાન જૂની પાણીની લાઈનમાં મોટું લિકેજ થયું છે, જેના કારણે પીવાના પાણીમાં ગટરનું કે ગંદુ પાણી ભળી રહ્યું હોવાની શક્યતા છે. આ બાબતે સ્થાનિકોએ જવાબદાર અધિકારી વી. ડી. ગોહિલને રજૂઆત કરતા તેમણે એવું કહીને હાથ ઊંચા કરી દીધા હતા કે, *આ કામ પ્રોજેક્ટ વિભાગનું છે અને અમે તેમને જાણ કરી દીધી છે.* અધિકારીઓની આ 'ખો' આપવાની નીતિને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે.

ઓઢવ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની આસપાસ આવેલી 20થી વધુ સોસાયટીઓ, જેમાં સુવ્રત પાર્ક અને વલ્લભ નગર જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં સ્થિતિ અત્યંત ગંભીર છે. આશરે 15,000થી વધુ નાગરિકોને ફ્રજિયાતપણે ગંદુ અને વાસ મારતું પાણી વાપરવું પડી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સત્વરે આ લિકેજ રિપેર કરવામાં નહીં આવે, તો ઝાડા-ઊલટી અને કમળા જેવા પાણીજન્ય રોગો ઘર કરી જશે. જ્યારે આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, *અમે વેરો ભરીએ છીએ તો અમને શુદ્ધ પાણી કેમ મળતું નથી?* તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે. શું તંત્ર કોઈ મોટી હોનારત કે રોગચાળો ફટે તેની રાહ જોઈ રહ્યું છે? ઉચ્ચ અધિકારીઓ આ મામલે મધ્યસ્થી કરી તાત્કાલિક ધોરણે લિકેજ બંધ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: