ભારતના ટેકનોલોજી જોબ માર્કેટમાં તાજેતરમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સામાન્ય રીતે ટેકનોલોજી ક્ષેત્રે એન્જિનિયરિંગ ભણાવતી કોલેજોમાં પ્લેસમેન્ટ દ્રારા નોકરીની બોલબાલા હોય છે, પરંતુ હવે આ ડિગ્રી મેળવનારા વધુને વધુ એન્જિનિયરો નોકરી સ્વીકારવાને બદલે એઆઇનો ઉપયોગ કરીને કારોબાર કરતી નવી કંપનીઓ લોંચ કરતાં થયા છે. આની પાછળનું કારણ એ છે કે એઆઇના ઉપયોગને કારણે કોઇ પણ કંપનીને મેનપાવર માટે જે ખર્ચ થાય છે તે અત્યંત ઘટી જાય છે. સાથે સાથે આવી કંપની લોંચ કરવા માટે હવે સરળતાથી મૂડી પણ ઉપલબ્ધ બની રહી છે અને મેન્ટર્સ તથા ઇન્ક્યુબેટર્સ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આવા એન્જિનિયર્સની એક નાની ટીમ પણ એઆઇ ટુલ્સનો ઉપયોગ કરીને કોડિંગ, રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનં કામ આસાનીથી કરી શકે છે. આજથી થોડા વર્ષો પહેલા જો આ પ્રકારનો કારોબાર કરવો હોય તો મોટી સંખ્યામાં એન્જિનિયર્સની જરૂરિયાત ઊભી થતી હતી. નિષ્ણાતો આ નવા ટ્રેન્ડ અંગે પ્રતિક્રિયા આપતા જણાવે છે કે હવે બજારમાં જેનું મૂલ્ય હોય એવી કોઇ પ્રોડક્ટના નિર્માણ માટે હવે એન્જિનિયર્સની ફોજની જરૂર નથી. એઆઇના ઉપયોગથી ગણ્યાગાંઠયા એન્જિનિયર્સ પણ હવે ભેગા થઇને કોઇ એક સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરી જરૂરી હોય એવી ટેકનોલોજી વિકસાવી શકે છે. આ ઉપરાંત ટૂંકા ગાળાના એઆઇ એન્ટ્રિપ્રિનિયોરશીપ કોર્સ પણ ઉપલબ્ધ છે. વધુમાં સ્ટાર્ટઅપ નવું હોય તો પણ હવે તેમને લેવલ પ્લેયિંગ ફિલ્ડ મળી રહે છે.
