ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરપ્રાંતીયો અને ઘૂસણખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અમદાવાદમાં એક બહુ મોટો પર્દાફાશ થયો છે. રાજ્યના ગૃહમંત્રી (હર્ષ સંઘવીની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
300 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત
શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી છે કે, ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવીને શહેરમાં એક સ્પેશિયલ મેગા સર્ચ ઓપરેશન ‘ઓપરેશન ડેલ્ટા’ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત સમગ્ર શહેરમાંથી અંદાજે 300 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
166 લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોર
પોલીસ કમિશનરે સનસનાટીભર્યો ખુલાસો કરતા જણાવ્યું કે, પકડાયેલા 300 લોકોના દસ્તાવેજોની સઘન ચકાસણી કરતા તેમાંથી કુલ 166 લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનું સાબિત થયું છે. આ 166 ઘૂસણખોરોમાં 41 પુરુષો, 95 મહિલાઓ અને 30 બાળકો સામેલ છે.
મહિલાઓની તપાસમાં ઘટસ્ફોટ
તપાસમાં એવો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, પકડાયેલી કેટલીક બાંગ્લાદેશી મહિલાઓ સ્થાનિક સ્પા અને પ્રોસ્ટિટ્યુશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી.
ડિપોર્ટ કરવાની તૈયારી શરૂ
આ મેગા સર્ચ ઓપરેશન મુખ્યત્વે અમદાવાદના ઇન્ડસ્ટ્રીયલ અને મજૂર વર્ગ ધરાવતા વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું. જેમાં નારોલ, વટવા, ઓઢવ, ઈસનપુર અને દાણીલીમડા જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી આ ઘૂસણખોરો મળી આવ્યા છે. કમિશનર જી.એસ. મલિકે સ્પષ્ટ કર્યું છે કે, આ ઘૂસણખોરોને ભારતમાં લાવવા પાછળ અને તેમને આશ્રય આપવા પાછળ કોની સંડોવણી છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ તમામ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ટૂંક સમયમાં જ ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો---- Gujarat Latest News LIVE : બાંગ્લાદેશી પર કાર્યવાહી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, એક પણ ઘૂસણખોરને નહીં રહેવા દેવામાં આવે