અમદાવાદના સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગમાં યોજાયેલી દારૂની મહેફિલ મામલે અમદાવાદ પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પાર્ટીનું આયોજન બિલ્ડિંગના ફ્લેટ નંબર 502 માં રહેતા કુશલ શાહ નામના યુવકે કર્યું હતું, જે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઉત્તરાયણ પર્વની ઉજવણીના બહાને યોજાયેલી આ મહેફિલમાંથી કુલ 16 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે, ઝડપાયેલા તમામ શખ્સો સુખી સંપન્ન પરિવારના નબીરાઓ છે અને તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે પાર્ટીમાં હાજર તમામે નશો કર્યો હતો.
પાર્ટીમાં સામેલ તમામે કર્યો હતો નશો
પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી અંદાજે 43 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં 10 વિદેશી દારૂની બોટલ અને 11 બિયરના ટીનનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ ધાબા પર અને ફ્લેટમાં ભેગા થઈને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. હાલ તમામ 16 લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હાઈપ્રોફાઈલ ધરપકડ બાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ હવે દારૂ ક્યાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.













