શહેરમાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ પ્રદૂષણની સમસ્યા વધી છે, જેનું એક જીવંત ઉદાહરણ છે કુબડથલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ધમધમતા સત્યમ-2 ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ અને મારૂતિનંદન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ટાયરનું ઉત્પાદન કરતાં એકમો દ્વારા બેફામ હવાનું પ્રદૂષણ કરવામાં આવે છે.


એટલું જ નહીં બંને સ્થાનો પર ચિમની મુકાવા અંગે પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. તેમજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના માલિક દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે અને તેના સાથે જ ઇન્ડસ્ટ્રિયલ પ્લોટમાં આવેલા કોમનપ્લોટ પર પણ તેમણે કબ્જો જમાવી તેના પર ટાયર બાળવાની પ્રક્રિયા કરવામાં આવે છે. જેના કારણે રાત્રિના સમયમાં કાળો પાઉડર ઉડીને આસપાસના એસ્ટેટોમાં પણ જાય છે. તેવી ફરિયાદો ઊઠી છે. જેના કારણે ત્યાં રહેતાં કેટલાંક કારીગર મજૂર વર્ગને શ્વાસ લેવાની તકલીફ થઈ છે. આ અંગે સ્થાનિકો દ્વારા તલાટીથી લઈ જીપીસીબી અને પર્યાવરણ વિભાગને ફરિયાદ કરવામાં આવી પરંતુ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.

કુબડથલ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં સત્યમ-2, મારૂતિ નંદનમાં આવેલા ગેરકાયદેસર રીતે ટાયર બનાવતાં એકમો અને વિવિધ કેમિકલનું ઉત્પાદન કરતાં એકમો દ્વારા કંપનીમાંથી ચીમની વગર બેફામ ઝેરી અને કાળો ધુમાડો હવાને અતિશય પ્રદૂષિત કરી રહ્યો છે, જેનાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ્, આંખોમાં બળતરા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે આ પ્રદૂષણનું પ્રમાણ એટલું વધી જાય છે કે લોકોને પોતાના ઘરની બારી-બારણાં બંધ રાખવા પડે છે. આ માટે રજૂઆત કરવાં છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. સ્થાનિક સંગઠનો અને જાગૃત નાગરિકોએ GPCB સહિતના સંબંધિત સરકારી વિભાગોને લેખિત અને મૌખિક રૂપે અનેકવાર ફરિયાદો કરી છે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

પર્યાવરણ બોર્ડ દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નથી

સ્થાનિકોએ રજુઆત કરતાં જણાવ્યું કે, અમે ઘણીવાર પ્રદૂષણ બોર્ડને જાણ કરી છે, એસ્ટેટની કંપનીના ફેટા અને વીડિયો પણ મોકલ્યા છે, પણ પરિણામ શૂન્ય છે. પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કોઈ જ કાર્યવાહી થતી નથી, જેના કારણે તેઓ વધુ બેફામ બન્યા છે. કાયદો માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે. આ ફરિયાદો છતાં બોર્ડ દ્વારા હજુ સુધી પ્રદૂષણ ફેલાવતા એકમોને કોઈ પણ નોટિસ આપવાં કે દંડ કરવાની કામગીરી કે તેમના પર્યાવરણ સંબંધી પરમિટ રદ કરવા જેવી કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી. આનાથી સરકારી તંત્રની કાર્યશૈલી અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.


  • Follow us on: