અમદાવાદ પૂર્વમાં કઠવાડા ખાતે આવેલી જીઆઇડીસીના કારણે અનેક સોસાયટીના રહીશો હવા, પાણીના પ્રદૂષણથી પરેશાન થઇ ગયા છે.


સતત ઉડતી ધૂળ અને ધૂમાડાથી શ્નસનતંત્રના રોગીઓ હાલાકીઓ ભોગવી રહ્યા છે. રહીશોના મતે સવારે ઘરના આંગણા, ધાબા પર કાળા રંગની ધૂળની રજકણો ચોંટેલી હોય છે. ચાલીએ તો પગના પગલા પડે તેવી સ્થિતિ હોય છે. ઘરમાં ધૂળની રજકણો ઉડીને આવતી હોવાથી આખો દિવસ-રાત બારી બારણા બંધ રાખવા પડે તેવી સ્થિતિ છે.

કઠવાડા રોડ પર આવેલી કેશવબાગ, શ્યામવિલા, પ્રેરણા, રામેશ્વર, ભાગ્યોદય સહિતની સોસાયટીઓ અને સમુદ્ધી ફ્લેટના રહીશો પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફેક્ટરીઓમાંથી આવતા ભારે અવાજ અને દૂષિત પાણીના કારણે ધ્વનિ, પાણીનું પ્રદૂષણ વધ્યું છે. કેટલીક સોસાયટીઓમાં પીવાલાયક પાણી ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. ફેક્ટરીઓનો બળેલો કોલસો પશુપતિનાથ મંદિરની સામેની ખાલી જગ્યામાં ઠાલવી દેવામાં આવતા તેની ઉડતી રજકણોના કારણે આજુબાજુનું વાતાવરણ હંમેશા દૂષિત રહે છે. ગરમ અને સળગતી હાલતમાં કોલસાના ઢગલા પડયા હોવાથી તેમાંથી ઉઠતા ધુમાડાએ લોકોનો શ્વાસ પણ લેવો મુશ્કેલ કરી દીધો છે.

ઇન્દિરા વસાહત હુકડોની સાઇડમાં એક કિ.મી.ના પટ્ટામાં ફેક્ટરીઓનું દુષિત પાણી રોડ પર ઠાલવવામાં આવી રહ્યું છે. ડ્રેનેજ લાઇન ઉભરાઇ રહી હોવાથી ગંદા પાણીના ખાબોચિયા પડી ગયા છે. જીઆઇડીસીમાં જવાનો રોડ પણ સદંતર તૂટી ગયો છે. રોડ પર શાકમાર્કેટ આવેલું હોવાથી ત્યાં પણ ગંદકી, દબાણના કારણે વાહનચાલકો હાલાકીઓ ભોગવી રહ્યા છે. વૃદ્ધો, બાળકો, દમ, અસ્થમા, શ્વસનતંત્રની બીમારીઓ ધરાવાતા લોકો માટે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. આ વિસ્તારનો મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ થઇ ગયો છે. રહીશો મ્યુનિ.તંત્રને વેરા ભરી રહ્યા છે. છતાંય પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહીશો ભોગવી રહ્યા છે. ઉમાનગર, ખોડિયારધામ સોસાયટી અને તેની સામે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનોના રહીશો પણ પ્રદૂષણથી ત્રસ્ત છે.

રહીશો આક્ષેપ કરી કર્યા છેકે રાત્રિના એક વાગ્યા બાદ આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી ગેસ ખૂલ્લી હવામાં છોડવામાં આવી રહ્યો છે. જેના કારણે રાત્રે આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઇ જાય છે. રહીશોની માંગણી છેકે તેઓને પ્રદૂષણ મૂક્ત વાતાવરણ મળે, સ્વચ્છ પાણી મળે અને સુઆયોજિત ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનનું જોડાણ મળે તેમજ તૂટેલા રસ્તાઓની સત્વરે મરામત કરવામાં આવે કે જેથી આ વિસ્તાર રહેવા લાયક બની રહે.રહીશોએ અગાઉ રજૂઆતો કરી હોવા છતાંય કોઇ પરિણામ આવ્યું નથી.

કઠવાડામાં ઔદ્યોગિક ધૂમાડાની કાળી રાખથી ઘરો ઢંકાયા

કઠવાડા વિસ્તારની આસપાસ આવેલી અનેક ફેક્ટરીઓમાંથી સતત નીકળતા ધૂમાડા અને હવામાં ફેલાતી સૂક્ષ્મ રચકણોના કારણે સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ફેક્ટરીઓના ચિમનીમાંથી બહાર આવતો કાળો ધૂમાડો આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે ઘરોની અંદર તેમજ ઘરોના ઘાબા પર કાળી રંગની રાખ જામી રહી છે. દરરોજ સફઈ કર્યા છતાં થોડા સમયમાં ફરીથી રાખનો થર દેખાવા લાગે છે, જેના કારણે લોકો પરેશાન બની ગયા છે. આ પ્રદૂષણના કારણે માત્ર સ્વચ્છતાની સમસ્યા જ નહીં પરંતુ આરોગ્ય સંબંધિત જોખમો પણ વધ્યા છે. હવામાં રહેલા ઝેરી તત્ત્વો અને બારીક કણો શ્વાસમાં જતા હોવાથી બાળકો, વૃદ્ધો તેમજ દમા અને શ્વાસની તકલીફ્ ધરાવતા દર્દીઓ માટે સ્થિતિ વધુ ગંભીર બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: