સાણંદના ચેખલા ગામની આશરે રૂ.35 થી 40 કરોડની મૂલ્યવાન નવી શરતની જમીનના બોગસ દસ્તાવેજો ઊભા કરી હડપ કરી લેવાના બહુચર્ચિત કેસમાં આરોપી પોપ્યુલર ગ્રુપના દશરથ ભોલીદાસ પટેલની નિયમિત જામીન અરજી અમદાવાદ રૂરલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ફ્ગાવી દીધી છે. ચાર્જશીટ રજૂ થઈ ગઈ હોવાના આધારે દશરથ પટેલે જામીન માંગ્યા હતા, પરંતુ કોર્ટે ગુનાની ગંભીરતા, ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાઓને ધ્યાને રાખી જામીન આપવાનો સાફ્ ઇનકાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ચાર્જશીટ ફાઇલ થવા માત્રથી કેસના તથ્યો કે ગંભીરતા બદલાઈ જતાં નથી.

સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વર્ષ 1996માં સાણંદના ચેખલા ગામની સર્વે નંબર 738 અને 743વાળી નવી તથા પ્રતિબંધિત શરતની જમીનને જૂની શરતમાં દર્શાવવા માટે આરોપીઓએ સાણંદ મામલતદાર કચેરીનો એક બોગસ અને બનાવટી હુકમ તૈયાર કર્યો હતો. આ બનાવટી હુકમના આધારે તા.11 જાન્યુઆરી, 1996ના રોજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નંબર 76/1996 અને 77/1996 કરાવી લેવાયા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે મામલતદાર કચેરી દ્વારા આવો કોઈ હુકમ ક્યારેય કરાયો જ નહોતો. આ કેસમાં આરોપી દશરથ પટેલની ધરપકડ કરી પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી ચાર્જશીટ બાદ આરોપીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. જોકે, મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, બોગસ દસ્તાવેજો અને મામલતદારનો બનાવટી હુકમ આરોપીઓએ ગાયબ કરી દીધો છે. દશરથ પટેલ સામે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની જમીન પચાવી પાડવાના અને છેતરપિંડીના 6 કેસ તથા એક હત્યાના પ્રયાસ સહિત કુલ 7 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ કોર્ટમાંથી સીઆરપીસી 70 મુજબનું વોરંટ નીકળ્યું હોવા છતાં આરોપી હાજર થયા નહોતા અને ભાગતા ફરતા હતા. કેસના સહ-આરોપી અને દશરથ પટેલના ભાઈ રમણ પટેલને આ જ કેસમાં ટ્રાયલ કોર્ટ દોષિત ઠેરવી 4 વર્ષની કેદની સજા ફ્ટકારી ચૂકી છે, જેથી આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઈએ.