બગોદરા : બાવળા તાલુકાના બગોદરા હાઇવે પર ચોમાસાના આરંભે થોડા ઘણાં જ વરસાદમાં જ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. જેના પગલે વાહન ચાલકો માટે જોખમી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ ઉપરાંત સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે હાઈવે પર ખાડાઓના લીધે રોજબરોજ નાના મોટા અકસ્માતો થાય છે. આ સમસ્યા અંગે અવારનવાર તંત્રવાહકો સમક્ષ રજૂઆતો કરવા છતાંય સ્થિતિ જૈસે થેની રહેવા પામી છે. એટલું જ નહીં કેટલીક જગ્યાએ ખાડાના સમારકામના નામે માત્ર કપચી નાંખી દેવાય છે. તે પણ વાહનોની અવરજવરથી થોડા જ દિવસોમાં ગાયબ થઈ જતી હોય છે. એથી સ્થિતિ જૈસે થેની થઈ જતી હોય છે. ત્યારે થોડો વરસાદ થતા જ ખાડા વરસાદી પાણીથી ભરાઈ જાય છે. જેના પગલે ટ્રાફ્કિજામના દશ્યો પણ સર્જાય છે. ત્યારે સદર સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.
