દસ્ક્રોઈ : દસ્ક્રોઈ તાલુકાના બાકરોલ ગામની હદમાં સિંચાઈ વિભાગની કેનાલ પર જ ગેરકાયદેસર રીતે નોનવેજ હોટલનું બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેનાલ પર દબાણ થવાને કારણે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થવાની તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં મુશ્કેલી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાત્રાળ - બાકરોલ રોડ ઉપર બાકરોલ ગામની હદમાં આવેલ કેનાલની બાજુમાં તેમજ તેના ઉપર જ હોટલ ઉભી કરાતા કેનાલનો ઉપયોગ અસરગ્રસ્ત બન્યો છે. હોટલમાંથી નીકળતો કચરો અને ગંદકી પણ કેનાલમાં જતી હોવાનું જોવા મળે છે, જેના કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે. કેનાલ પર દબાણ, ખુલ્લો કૂવો તેમજ આસપાસ ફેલાયેલી ગંદકી ને કારણે રોગચાળો પણ વકરી શકે છે. ખેડૂતોએ જણાવ્યું છે કે જો સમયસર આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો ચોમાસામાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાઈ શકે છે અને સિંચાઈ વ્યવસ્થા પર તેની સીધી અસર પડશે. સ્થાનિકોએ સિંચાઈ વિભાગ, ગ્રામ પંચાયત અને જિલ્લા તંત્રને તાત્કાલિક તપાસ કરી કેનાલ પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો