મકરસંક્રાંતીના પર્વ વચ્ચે હવે ગણતરીના 7-8 દિવસ રહ્યા છે છતાં બંન્ને જિલ્લામાં હજુ વેપારીઓને ગ્રાહકોનો ઈંતજાર છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિવિધ કારણોસર પતંગ અને દોરીના ભાવોમાં સરેરાશ 25થી 30 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. જેથી પતંગરસીયાઓમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. જોકે ઉત્તરાયણના બે- ત્રણ દિવસ હશે ત્યાં ખરીદીનો માહોલ જોવા મળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.


આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં રો-મટીરીયલ મોંઘુ થતાં ભાવો વધ્યા છે. ગત વર્ષે છ તારની 5 હજાર વાર ફીરકી રૂ.880 આસપાસ મળતી હતી. આ વર્ષે તેના ભાવ વધીને રૂ.1100 સુધી પહોંચી ગયા છે. આમ દોરીના ભાવ 25 ટકા સુધી વધ્યા છે. લોકોના ગળા કાપી નાખતી જીવલેણ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધના પગલે માંઝાની ડિમાન્ડ વધતાં ભાવોમાં વધારો થયાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેવી જ રીતે પતંગના ભાવો પણ વધ્યા છે. 1 કોડી કલર ચીલ (પતંગ) રૂ.100-રૂ.120માં ગત વર્ષે મળતા હતા. આ વર્ષે પણ તેના ભાવ રૂ.120 સુધી સ્થિર રહ્યા છે. જ્યારે દોરી રંગવાનો ખર્ચ પણ વધી ગયો છે. 5 હજાર વાર દોરી રંગવાના ભાવ ગત વર્ષે રૂ.100થી રૂ. 120 આસપાસ હતા તેના રૂ.150- રૂ.170 થઈ ગયા છે. આ વર્ષે પતંગ-દોરીનો ખર્ચ પતંગરસિયાઓના ખિસ્સાને ભારે પડે તેમ જણાય છે. પતંગ બજારમાં ખાસ માહોલ જોવા હજુ સુધી મળ્યો નથી.

ઉત્તરાયણે ઘીની જલેબી રૂ. 600, ઉંધિયું રૂ.300 સુધી વેચાશે

ઉત્તરાયણનું પર્વ ફાફડા-જલેબી, ઉંધિયાનો સ્વાદ માણ્યા વગર જાણે કે અધુરું રહે છે. ત્યારે બન્ને જિલ્લાના ફરસાણના વેપારીઓએ દર વર્ષના ઉપાડને ધ્યાનમાં રાખીને ઓર્ડરો લેવાના શરૂ કર્યા છે. ઉત્તરાયણ પર્વે ઉંધિયાના ભાવ કિલોના સરેરાશ રૂ.300 સુધી રહેવાની વેપારીઓની ધારણા છે. જલેબીના ભાવ તેલના રૂ.250-300, ઘીની જલેબી રૂ.600 સુધી રહેશે. ઉત્તરાયણમાં તલસુખડી, ચીક્કીની ડિમાન્ડ રહે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: