AMCના મધ્ય અને પૂર્વઝોન ટેક્ષ વિભાગ દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે મેગા સીલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.


ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ બે વિશેષ ટીમો બનાવીને ટેક્ષ ન ભરનારા મિલ્કતધારકો સામે સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ ઝુંબેશ પૂર્વ ઝોનમાં કુલ 590 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે અને સ્થળ પર જ રૂ. 1.79 કરોડ જેવી મોટી રકમની ટેક્ષ વસુલાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા શહેરના મુખ્ય ઔદ્યોગિક અને કોમર્શિયલ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મધ્ય ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્ષ ન ભરનાર કુલ 75 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો ઘી કાંટા વિસ્તારમાં રેટિયા વોર્ડમાં આવેલ ક્રિષ્ણા કોમ્પ્લેક્સ તથા કર્ણાવતી કોમ્પ્લેક્સ, અસારવા વિસ્તારમાં રામચંદ્ર કોલોની વોર્ડમાં ચામુંડા બ્રિજ પાસે આવેલ સુમેલ બિઝનેસ પાર્ક-5, ન્યુ ક્લોથ માર્કેટની બાજુમાં આવેલ સુમેલ બિઝનેસ પાર્ક-1 તેમજ જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી વોર્ડમાં આવેલ એ.પી.એમ.સી. વોર્ડનો સમાવેશ થાય છે.

પૂર્વઝોનના બાકી પ્રોપર્ટી ટેક્સ ધરાવતા કરદાતાઓને તાકીદ કરવા માટે વોટ્સએપ મેસેજિંગ માધ્યમ દ્વારા 4.10 લાખ જેટલા કરદાતાઓને ટેક્સ ભરવા અંગે સૂચનાઓ મોકલવામાં આવી છે. આ પગલાથી કરદાતાઓમાં જાગૃતિ આવી છે અને ટેક્સ ભરપાઈમાં વધારો નોંધાયો છે. અમરાઈવાડી, નિકોલ, ભાઈપુરા-હાટકેશ્વર, વસ્ત્ર્રાલ, ઓઢવ, ગોમતીપુર, વિરાટનગર અને રામોલ-હાથીજણ વોર્ડમાં વ્યાજ માફી યોજનાનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા માટે 8 રિક્ષાઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. રિક્ષાઓ દ્વારા વ્યાજ માફી યોજનાની કુલ 35,000 પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: