કાંકરિયા વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીના મેન રોડ પર ગટર લાઈન બેસી જવાની ઘટના સામે આવી છે.
ગટરની મુખ્ય લાઈન જમીનમાં દબાઈ જવાથી ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું હતું, જેના કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે.
સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર અને મેન રોડ પર ગટરના પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશોનું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગટરનું પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો ગંદા પાણીમાં લપસી પડવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
ગટર લાઈન બેસી જવાથી રસ્તા પર પાણી ભરાયા હોવાથી વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે, જેના કારણે ટ્રાફ્કિ જામના દૃશ્યો સર્જાયા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જો આ ગંદા પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગટર લાઈન બેસી જવાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગને કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. લાઈન અંદરથી બેસી ગઈ હોવાથી ખાલી પંપીંગ કરવાથી સમસ્યા ઉકેલાય તેમ નથી, તેના માટે તાત્કાલિક ધોરણે ખોદકામ કરી નવી લાઈન નાખવી જરૂરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો