અમદાવાદ શહેરના શાહીબાગ વોર્ડમાં આવેલા પ્રેમ દરવાજા રોડ પર સ્થિત નવા ડહેલા ચાલીના રહીશો છેલ્લા ઘણા સમયથી કાળા અને અત્યંત દુર્ગંધયુક્ત પીવાના પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ અંગે અવારનવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, સંબંધિત વિભાગ માત્ર ખાડા ખોદીને ઉપરછલ્લી કામગીરી કરી સંતોષ માણી લે છે.

સ્થાનિકોનું કહેવું છે કે અહીં ઘરોમાં સપ્લાય થતું પાણી પીવા તો ઠીક, અન્ય ઘરવપરાશ માટે પણ અયોગ્ય છે. ચાલીના લોકો દ્વારા દૂષિત પાણીના સેમ્પલ લઈને તેનું તાત્કાલિક લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા હજુ સુધી ગંદુ પાણી આવવાના મૂળ કારણની તપાસ કરવામાં આવી નથી કે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. રહીશોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે ત્વરિત તપાસ કરાવવામાં આવે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. જો વહેલી તકે આ પરિસ્થિતિ નહીં સુધરે અને કોઈ ગંભીર બીમારી ફેલાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્ર અને બેદરકાર અધિકારીઓની રહેશે.