મેડિકલ અને ડેન્ટલમાં 714 વિદ્યાર્થીઓની રૂ.71.40 લાખ ડિપોજીટ જપ્ત કરવામાં આવી છે. બીજા રાઉન્ડમાં કોલેજ એલોટ થયાં બાદ પણ પ્રવેશ લેવાનો ઈન્કાર કરનાર વિદ્યાર્થીઓ સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી છે. બેઠક ઠુકરાવનાર વિદ્યાર્થીની રૂ.10 હજાર ડિપોઝીટ જપ્ત કરવાની પ્રવેશ સમિતી દ્વારા જોગવાઈ કરવામાં આવેલી છે. કોલેજ એલોટ થયાં બાદ પ્રવેશ ન મેળવતા આ વિદ્યાર્થીઓને મેરીટમાથી પણ દુર કરવામાં આવ્યાં છે.

મેડિકલ અને ડેન્ટલની કુલ 8,452 બેઠકોમાં ગત તા.14 સપ્ટેમ્બરના રોજ બીજા રાઉન્ડના પ્રવેશ એલોટ કરવામાં આવ્યાં હતા. આ એલોટમેન્ટ દરમિયાન મેડિકલમાં 1,556 અને ડેન્ટલમાં 667 મળી 2,223 વિદ્યાર્થીઓના નવા એડમિશન થયાં હતા. એ સિવાય 1,473 વિદ્યાર્થીઓના પ્રવેશમાં ફેરફાર થયો હતો. આ બંન્ને મળી 3,696 વિદ્યાર્થીઓને 19 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મૂદત આપવામાં આવી હતી. આ દરમિયાન મેડિકલમાં 439 અને ડેન્ટલના 272 મળી કુલ 711 વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનો ઈન્કાર કરતાં આ બેઠકો નોન-રિપોર્ટેડ રહી. એ સિવાય અગાઉ પ્રથમ રાઉન્ડમાં એમબીબીએસમાં પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો હોય એવા ત્રણ વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ રદ કરાવ્યો.