ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અંતર્ગત ગેરકાયદેસર અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) ક્લેઇમ કરવામાં આવ્યું હોય તેની તપાસ દરમિયાન કેન્દ્ર સરકારે 2025-26માં કુલ 30,162 કેસ અંતર્ગત રૂ. 74,782 કરોડની ગેરરીતિ પકડી છે. આ આંકડો છેલ્લા બે વર્ષમાં આવા કેસની સંખ્યામાં અને ગેરરીતિની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે એવું દર્શાવે છે. નિષ્ણાતોના મતે ગેરરીતિના કેસો, રકમ અને આવા કેસો પકડાવવાની સંખ્યામાં વધારો એ કરચોરી વધી રહી છે એ દર્શાવવાની સાથે સાથે સરકાર નિયમોના પાલનમાં પણ ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે એવું પણ દર્શાવે છે. કેન્દ્રિય નાણાંમંત્રાલયે આપેલા આંકડા પરથી આ માહિતી મળી છે. 2025-26માં કુલજે રૂ. 74,782 કરોડની ખોટી રીતે આઇટીસી ક્લેઇમ કરવાની ગેરરિતી પકડાઇ છે તે 2024-25ના રૂ. 58,773 કરોડના આંકડાની તુલનાએ 27 ટકાનો વધારો દર્શાવે છે. 2023-24માં આવી ગેરરીતિનો આંકડો રૂ. 36,373 કરોડ હતો, એવી માહિતી રાજ્યકક્ષાના નાણાંપ્રધાન પંકજ ચૌધરીએ મંગળવારે રાજ્યસભામાં આપી હતી. 2023-24ની તુલનાએ ગણતરી કરીએ તો 2025-26માં ગેરરીતિની રકમમાં 105 ટકાનો વધારો નોંધાયો છે. આવી જ રીતે 2024-25ની તુલનાએ 2025-26માં કેસની સંખ્યા બમણી થઇ છે, જ્યારે 2023-24ની તુલનાએ કેસની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો