ખેતી પ્રધાન ભારત દેશમાં રહેતા અસંખ્ય પરિવારો ખેતી પર નિર્ભર છે ત્યારે છેલ્લા ઘણા વખતથી જમીનમાં રહેલા અને કુદરતની દેણ સમાન પોષક તત્વો ધીમે ધીમે ઓછો થઈ રહ્યા છે. વડાપ્રધાને જમીનની સાચવણી કરવા ગુજરાતના જિલ્લા પર પસંદગી ઉતારી છે. સાબરકાંઠાના આઠ પૈકી ત્રણ તાલુકાઓમાં આવેલી જમીનની ત્રણ મીટર ઉંડેથી માટીના નમૂના લેવાનું કામ ચાલુ છે તેનું અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં પૃથ્થકરણ થયા બાદ જમીનના પોષક તત્વોની માત્રા તપાસીને જરૂર પડે ખેતીલાયક જમીન બંજર ન બને તે માટે પ્રયાસ કરવાનો ઉદ્દેશ છે.
સર્વે ટીમના અધિકારી ર્ડા.હનુમંતસિંહ કુલદીપ, સુરેન્દ્રકુમાર તથા ટીમના દાવા મુજબ ખેડૂતો વધુ પાક મેળવવા વર્ષની ત્રણેય સીઝન છોડતા નથી. જેના કારણે ઉનાળામાં જમીનને જરૂરી ગરમી મળી શકતી નથી. જેના લીધે જમીનમાં રહેલા પોષક તત્વોમાં ઘટાડો થઈ રહ્યો છે. કૃષિ વિજ્ઞાનિકોના મંતવ્ય મુજબ જો ખેતીલાયક જમીનને બચાવવી હશે અને તેમાં રહેલા પોષક તત્વોની માત્રા જાળવી રાખવી હોય તો ખેડૂતોએ ખાતર અને દવા આધારિત ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર છૂટકો નથી. અત્યારે સ્થિતિ એવી છે કે હવાનું પ્રદુષણ, જમીનમાં જઈ રહેલું કેમિકલ યુક્ત પાણીને લીધે કેટલાક તત્વો નાશ થવાના આરે છે.
કયા તત્વોની તપાસ થાય છે ?
પીએચ, પીસી, જીવાન્સ તત્વોની તપાસ થઈ રહી છે જેનાથી માટીની સંરચના બનાવવા માટે મદદ કરવાનો સર્વેનો આશય છે, એમ સર્વે અધિકારી ર્ડા.હનુમંતસિંહનું કહેવું છે.
માટી કેવી રીતે લેવામાં આવે છે ?
કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય અમદાવાદ કચેરીના અધિકારીઓ પાસે અગાઉથી જ પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદ કરાયેલા પાંચ જિલ્લા પૈકી સાબરકાંઠામાં જમીનમાંથી માટીના નમૂના લેવા માટે નિયુક્ત કરાયેલ અધિકારીઓ મજૂરો પાસે જમીનમાં લગભગ ત્રણ મીટર ઊંડે સુધી ખાડો કરીને માટીનો નમૂનો લે છે.
અત્યાર સુધી લેવાયેલા નમૂનામાં કયા તત્વો દેખાયા ?
22 દિવસમાં પ્રાંતિજ-તલોદ એમ બે તાલુકાની જમીનના જે નમૂના લેવાયા છે તેમાં ખાસ કરીને બોકસાઈટ, મેગ્નેશીયમ અને નદી કાંઠાની જમીનમાં એલ્યુમીની તત્વની માત્રા વધુ હોવાનું પ્રાથમિક તારણમાં જણાયું છે.
આગામી દિવસોમાં બાકીના તાલુકાઓની માટીના નમૂના લેવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં તથા ગુજરાતમાં અનેક વખત મુલાકાત લઈને તેઓ આમ પ્રજા સાથે સીધો સંવાદ કરી ચુકયા હોવાને કારણે તેમને જમીન સાથે ખૂબ જ લગાવ હોય તે સ્વાભાવિક છે. ત્યારે આગામી દિવસોમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાના પહાડી તથા જંગલ વિસ્તારમાં જઈને સેટેલાઈટ આધારિત નકશામાં જોઈ પોઈન્ટ નક્કી કરી માટીના નમૂના લેશે. હાલ હિંમતનગર તાલુકામાં કામગીરી ચાલી રહી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો