શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક અને મહત્વપૂર્ણ એવું સૈજપુર તળાવ હાલ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે તળાવના બ્યુટિફ્કિેશન અને વિકાસના દાવાઓ વચ્ચે, વાસ્તવિકતા એ છે કે હાલ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે અને યોગ્ય જાળવણીના અભાવે તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મહત્વનું છે કે તળાવના કિનારે અને પાણીમાં પ્લાસ્ટિકનો કચરો, પૂજાપો અને અન્ય ઘન કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. નિયમિત સફાઈ ન થવાને કારણે તળાવનું પાણી લીલું અને દુર્ગંધયુક્ત બની ગયું છે. આ દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે, તેમજ તળાવ કિનારે વોકિંગ કે કસરત કરવા આવતા સિનિયર સિટીઝન્સ અને બાળકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. તળાવમાં જમા થયેલા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય હદે વધી ગયો છે, જેનાથી વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરી દહેશત સેવાઈ રહી છે. આ ઉપરાંત, તળાવની ફરતે લગાવેલી જાળીઓ તૂટી ગઈ છે અને સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અહીં અંધારપટ છવાઈ જાય છે. સુરક્ષા અને જાળવણીના અભાવે સાંજ પડતાં જ તળાવ પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે, જેના કારણે પરિવારો અહીં આવતા ડરે છે.
