અમદાવાદમાં વહેલી સવારે આગનો એક મોટો બનાવ સામે આવ્યો છે. શહેરના સાંતેજ-વડસર રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો સવારે જાગ્યા ત્યારે કંપનીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા.
હાઇટેક ઈલાસ્ટોમર્ચ લિમિટેડ કંપનીમાં આગ
મળતી માહિતી મુજબ, સાંતેજ વડસર રોડ પર સ્થિત 'હાઇટેક ઈલાસ્ટોમર્ચ લિમિટેડ' નામની ખાનગી કંપનીમાં આ આગ લાગી હતી. કંપનીની અંદર રહેલા મટીરિયલના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને કંપનીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયર ફાઇટરોની ટીમે મેળવ્યો કાબૂ
આગની ગંભીરતાને જોતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે વહેલી સવારે આ ઘટના બની હોવાથી મોટી જાનહાની ટળી છે. આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત નથી, જે ખૂબ જ રાહતના સમાચાર છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી
જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવવામાં આવી રહી છે. આ આગના કારણે કંપનીમાં રાખેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનો અંદાજ છે. હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો---- West Bengal : શુભેન્દુ સરકારની મોટી કાર્યવાહી, આરજી કર કેસમાં 3 IPS અધિકારી સસ્પેન્ડ, કેસની ફાઇલ ફરી ખોલવા આદેશ