શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડના ન્યૂ મણિનગર વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ન્યૂ મણિનગર ચાર રસ્તાથી ગોડાસર એક્સપ્રેસ હાઇવે તરફ્ જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા બે દિવસથી ગટરના ચેમ્બરો સતત ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર રસ્તા પર ગટરનાં ગંદાં પાણી ફરી વળ્યાં છે. ફ્લેટના ગેટ સામે જ ગંદકીનું સામ્રાજ્ય, શિયાળાની શરૂઆતમાં જ રોગચાળો ફટવાની સ્થાનિકોમાં ભીતિ છે. આ મુખ્ય માર્ગની આસપાસ અનેક સોસાયટીઓ અને ફ્લેટો આવેલા છે, જ્યાં હજારો પરિવારો વસવાટ કરે છે. રહીશોના અવરજવર માટેના આ એકમાત્ર મુખ્ય રસ્તા પર અને ખાસ કરીને ફ્લેટોના પ્રવેશદ્વાર સામે જ દિવસ-રાત ગંદાં પાણી ભરાયેલાં રહેતાં લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. વાહનચાલકો અને રાહદારીઓને નાછૂટકે આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. એક તરફ્ શિયાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે, ત્યારે બીજી તરફ્ અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ફટી નીકળવાની દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંબંધિત તંત્ર તાત્કાલિક ધોરણે ગટરના પાણીનો નિકાલ કરી, ઉભરાતા ચેમ્બરોનું સમારકામ અને ગટરલાઇનની સફાઇ કરાવી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી રહીશોની પ્રબળ માગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો