શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય ગેટ પાસે જ ગટરના પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ છે. તંત્રની કચેરીના પ્રવેશદ્વાર આગળ જ ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળતા અહીં આવતા મુલાકાતીઓ, અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા પંચાયત અમદાવાદના મુખ્ય ગેટની બરાબર આગળ અને પ્રવેશ માર્ગ પર ગટરના પાણી વહેતા અને ખાડામાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ સ્થળ પરથી રોજના મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. વાહનો પસાર થતા ગંદા પાણીના છાંટા ઉડવાની સાથે દુર્ગંધ ફેલાઈ રહી હોવાની ફરિયાદો ઊઠી છે. મહત્વનું છે કે તંત્રની મહત્વની કચેરીના મુખ્ય દરવાજા પાસે જ ગટરના પાણી એકઠા થવાથી સ્વચ્છતાના દાવાઓ પર સવાલો ઊભા થયા છે. સ્થાયી પાણી અને ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે. કચેરીમાં કામ અર્થે આવતા નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ગટરલાઈન-પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને પ્રવેશદ્વાર પાસેની સફાઈ કરવામાં આવે, જેથી લોકોને રાહત મળી શકે.
