અમદાવાદ : ભારે વરસાદ બાદ અમદાવાદના અનેક મુખ્ય અને આંતરિક માર્ગોની હાલત અત્યંત ખરાબ બની ગઇ છે. રોડ ધોવાઈ ગયા છે, ડામર ઊખડી ગયો છે, મોટા-મોટા ખાડા પડી ગયા છે. પરિણામે રોજ હજારો વાહનચાલકો અને રાહદારીઓ પારાવાર હાલાકીઓ વચ્ચે જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. બોપલ, શેલા, ઘુમા, સાયન્સ સિટી રોડ, એસ.જી. હાઇવેના સર્વિસ રોડ, પ્રહલાદનગર, મકરબા, વસ્ત્રાપુર, નરોડા, નિકોલ, ચાંદખેડા, ગોતા, સેટેલાઇટ, મણિનગર અને પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત ગંભીર છે. પિરાણા પાસે સાબરમતી નદી પરના ઓવરબ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે. બ્રિજ ઉપર ઠેકઠેકાણે રોડ તૂટીને સળિયા દેખાઇ રહ્યા છે. વાહનચાલકો રોજ ખાડામાં પટકાઈ રહ્યા છે. દ્વિચક્રી વાહનો સ્લીપ થવાના બનાવો વધી રહ્યા છે. કારના ટાયર અને સસ્પેન્શનને નુકસાન થઈ રહ્યું છે. પાણી ભરાયેલા રસ્તાઓમાં ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતનું જોખમ અનેકગણું વધી ગયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો