અમદાવાદના મૂમતપુરા ગામના પાછળના વિસ્તારમાં અને કર્ણાવતી ક્લબ નજીક બુધવારે વહેલી સવારે દીપડો જોવા મળ્યો હોવાની વાયુવેગે ચાલેલી ચર્ચાના પગલે વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસો અગાઉ શહેરના પોશ ગણાતા એવા બોપલ-ઘૂમામાં દીપડાએ દેખા દીધી હતી. 19 જુલાઈની મોડી રાત્રિએ શરણદીપ સોસાયટીના એક બંગલામાં કોટ કૂદીને દીપડો ઘૂસ્યો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો હતો. કર્ણાવતી ક્લબ નજીક મળેલા ફૂટ પ્રિન્ટની તપાસમાં શ્વાનના હોવાનું સામે આવ્યું છે. આમ છતાં વન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ઝવેરી સર્કલ પાસે બે પાંજરા મૂકવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદમાં ફરી એક વખત દીપડો દેખાયો હોવાની ચર્ચા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મૂમતપુરા ગામના પાછળના વિસ્તારમાં વહેલી સવારે દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચાને પગલે વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં થર્મલ સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. થર્મલ સ્કેનિંગ, સીસીટીવી ફૂટેજ તપાસવા તથા પાંજરું મૂકવામાં આવ્યા પછી પણ દીપડાની હાજરીની ચર્ચાને કોઈ પુષ્ટિ થઈ નથી. વન વિભાગ તરફ્થી અફ્વાઓમાં વિશ્વાસ ના કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કોઈપણ શંકાસ્પદ વન્યજીવ દેખાય તો વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
