રોશનીના પર્વ દિવાળી અને (બેસતા વર્ષની ઉજવણી વચ્ચે અમદાવાદ શહેરમાં ગૌસેવાની અનોખી પરંપરા જોવા મળે છે. તહેવારોના આ પવિત્ર દિવસોમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ ગાયોને લીલો ચારો, લાડુ અને ગોળ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધવા પહોંચતા હોય છે. આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ અને ગૌભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત દાણીલીમડા અને બાકરોલ સ્થિત કરુણા મંદિરો ખાતે વિશેષ સુવિધાઓ અને વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દિવાળી અને બેસતા વર્ષના શુભ દિવસે ગૌમાતાના દર્શન અને સેવા-પૂજા માટે વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો લાગતી હોય છે.AMC તંત્ર દ્વારા કરુણા મંદિરોમાં આવતા નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે મહત્વનું છે કે દર્શનાર્થીઓ માટે તાજો લીલો ચારો, સુકો ચારો, ખોળ અને શુદ્ધ ગોળ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ગૌશાળા પરિસરમાં ભીડ નિયંત્રિત રહે અને દરેક નાગરિક સરળતાથી ગૌસેવા કરી શકે તે માટે અલગ-અલગ કાઉન્ટર અને લાઇનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિશેષ સફાઈ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે તેમજ મુલાકાતીઓ માટે પીવાના શુદ્ધ પાણીની સુવિધા ઊભી કરાઈ છે.
