અમદાવાદ શહેરની સેન્ટ માર્ક સ્કૂલ દ્વારા સ્વેટર મુદ્દે વાલીઓ પર કરવામાં આવતું દબાણ હજુ પણ યથાવત રહેતા વિવાદ વકર્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસ છતાં શાળાએ કોઈ કાર્યવાહી ન કરતાં વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શાળા દ્વારા ફરજિયાત સ્વેટર ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે
વાલીઓએ રજૂઆત કરતા જણાવ્યું છે કે શાળા દ્વારા ફરજિયાત સ્વેટર ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે એ જ પ્રકારનું સ્વેટર બજારમાં આશરે હજાર રૂપિયામાં સરળતાથી મળી જાય છે. તેમ છતાં શાળા નિર્ધારિત સ્થળ પરથી જ સ્વેટર લેવા માટે આગ્રહ રાખી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અગાઉ NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો,
આ મુદ્દે અગાઉ NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના પગલે DEOએ શાળાને નોટિસ પાઠવી હતી. જોકે વાલીઓનો આક્ષેપ છે કે શાળાએ આ નોટિસને ઘોળીને પી લીધી હોય તેમ કોઈ અસર દેખાઈ નથી.
આજે NSUIના કાર્યકરો દ્વારા ફરીથી વિરોધ કરવામાં આવ્યો
શાળાની મનમાની સામે આજે NSUIના કાર્યકરો દ્વારા ફરીથી વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ શાળા પ્રશાસન સામે નારેબાજી કરી અને વાલીઓ પર થતા દબાણને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી.
DEO કચેરી પર વાલીઓની નજર
હાલ સમગ્ર મામલે DEO કચેરી શું પગલાં ભરે છે તે તરફ વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો---- Gujarat Police ની દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના ગુનેગારો સામે આક્રમક કાર્યવાહી, 3 મહિનામાં 6 આરોપી સામે ફાયરિંગની ઘટના