શહેરના નરોડા વિસ્તારમાં આવેલા મુઠિયા ગામમાં ગઇકાલે મોડી સાંજે પોલીસ અને બુટલેગરો વચ્ચે સામસામે જંગ ખેલાયો હતો. પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફ્રતા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના બે ભાઈઓએ પથ્થરમારો કરી તેને ભગાડી મૂક્યો હતો. આ હિંસક ઘટનામાં સ્થાનિક રહીશોની ગાડીઓના કાચ પણ તૂટી ગયા હતા. નરોડા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


નરોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ અનીલ ઉર્ફે કાલી સોલંકી મુઠિયા ગામમાં હાજર છે. પોલીસ ટીમે દરોડો પાડતા અનીલ કાર લઈને ભાગવા લાગ્યો હતો. ગલીઓમાં પીછો કરી પોલીસે તેને કોર્ડન કર્યો, પરંતુ આ દરમિયાન તેના બે ભાઈઓ જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદિપ ઉર્ફે પદીયો ત્યાં ઘાતક હથિયારો અને પથ્થરો સાથે આવી પહોંચ્યા હતા.

બંને ભાઈઓએ પોલીસ પર આડેધડ પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે આસપાસ પાર્ક કરેલી વાહનોને નુકસાન થયું હતું. ઝપાઝપીનો લાભ લઈને અનીલ ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે હિંમત બતાવી હુમલો કરનાર જીગ્નેશ અને પ્રદિપને ઝડપી પાડયા હતા. પકડાયેલા શખ્સોએ પોલીસને 'તમારું કરિયર ખરાબ કરી નાખીશું' તેવી ધમકીઓ આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે.

રીઢા ગુનેગારોનો કાળો ઇતિહાસ

પકડાયેલ આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે અગાઉ પોલીસ પર હુમલો, મારામારી અને દારૂના 40 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તે 4 વખત પાસા (PASA) ની સજા પણ કાપી ચૂક્યો છે. જ્યારે તેનો ભાઈ પ્રદિપ પણ 18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે.

પીઆઈને સસ્પેન્ડ કરાવાવની પણ ધમકી આપી

ધરપકડ દરમિયાન આરોપીઓએ પોલીસકર્મીઓને ધમકાવતા કહ્યું કે, *અમે બહારથી દારૂનો જથ્થો મંગાવીશું અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડાવી તમારા જેવા પોલીસવાળા અને PI ને સસ્પેન્ડ કરાવી દઈશું.* તેઓએ દાવો કર્યો હતો કે તેમને પોલીસનો કોઈ ડર નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: