અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે સગીર બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે દરરોજ નવા વળાંક આવી રહ્યા છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગને કારણે મોત થયા હોવાની આશંકા સેવાતી હતી, પરંતુ હવે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મોતનું કારણ ફૂડ પોઈઝનિંગ નથી. આ સાથે જ મામલો હવે સામુહિક આપઘાત કે હત્યા તરફ ફંટાયો હોય તેમ જણાય છે, જેની તપાસ હવે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સંભાળી લીધી છે.

 બાળકીઓના દાદા અને દાદીની પૂછપરછ

ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતા બાળકીઓના દાદા અને દાદીની પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન એક મહત્વની કડી એ મળી છે કે મૃતક બાળકીઓના નાના મેડિકલ સ્ટોર ધરાવે છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું કોઈ નશીલી કે ઝેરી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજ કબજે કરી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

વિમલ પ્રજાપતિ ઓસ્ટ્રેલિયા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં માતા-પિતા સહિત પરિવારના અન્ય સભ્યોની સંડોવણી હોવાની પણ આશંકા છે. વધુમાં જાણવા મળ્યું છે કે વિમલ પ્રજાપતિ ઓસ્ટ્રેલિયા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. શું વિદેશ જવાના પ્લાનિંગ અને આ ઘટના વચ્ચે કોઈ કનેક્શન છે? કે પછી પારિવારિક કલહને કારણે આ કરુણ અંજામ આવ્યો છે? તે તમામ પાસાઓ પર ક્રાઇમબ્રાન્ચ તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલ તપાસ બાદ આ મિસ્ટ્રી પરથી પડદો ઉચકાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો---  Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો