બપોરે શહેરના ડામર અને કોંક્રિટ રસ્તાઓ પર તાપમાન 50-51 ડિગ્રી સે.સુધી નોંધાતું હોય ત્યારે નજીકની ઘટાદાર વૃક્ષના છાંયામાં તે 10 થી 15 ડિગ્રી સે. ઓછું જોવા મળ્યું છે. શહેરના વિવિધ માર્ગો પર કરવામાં આવેલા તાપમાન માપન મુજબ મુખ્ય રસ્તા અને તેનાથી માત્ર 5 થી 10 ફૂટ દૂર આવેલી વૃક્ષછાંય વચ્ચે નોંધપાત્ર તફવત સામે આવ્યો છે. બપોરે 1 વાગ્યે રસ્તા પર તાપમાન 50 થી 51 ડિગ્રી સે. સુધી પહોંચતું હોય છે, જ્યારે નજીકની ઘટાદાર વૃક્ષછાંયે તે આશરે 36 થી 38 ડિગ્રી સે. વચ્ચે નોંધાય છે. આ નિરીક્ષણ દરમિયાન આઈઆઈએમ રોડ પર વસ્ત્ર્રાપુરથી અંધજન ચાર રસ્તા વચ્ચેના આરસીસી માર્ગ પર 51 ડિગ્રી સે. રોડનું તાપમાન નોંધાયું,જ્યારે નજીકની વૃક્ષછાંયે 37.2 ડિગ્રી સે.નોંધાયું હતું. અંધજન ચાર રસ્તાથી કેશવબાગ સુધીના ડામરના રસ્તા પર પણ 51 ડિગ્રી સે. તાપમાન સામે આવ્યું,જ્યારે સર્વિસ રોડ પર વૃક્ષછાંયે તે 38.1 ડિગ્રી સે. સુધી મર્યાદિત રહ્યું છે. એટલું જ નહીં રોડની વચ્ચે રહેલા ઘટાદાર વૃક્ષ નીચે પણ 36.1 ડિગ્રી સે.તાપમાન જોવા મળ્યું છે. કોંક્રિટ અને ડામર ગરમી ઝડપથી શોષી લઈને લાંબા સમય સુધી જાળવી રાખે છે, જેના કારણે શહેરોમાં અર્બન હીટ આઈલેન્ડ જેવી પરિસ્થિતિ સર્જાય છે. બીજી તરફ્,વૃક્ષો છાંયો અને બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા આસપાસનું તાપમાન ઘટાડવામાં સહાય કરે છે. શહેરમાં ઘટતી હરિયાળી અને વધતા કોંક્રિટ માળખાને કારણે ગરમીની અસર વધુ તીવ્ર બનતી હોવાનું નિરીક્ષણ સૂચવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો