AMC દ્વારા શહેરના ઉત્તર ઝોનમાં આવેલા બાપુનગર વોર્ડમાં માળખાગત સુવિધાઓ સુધારવા માટે કમર કસી છે.
ખાસ કરીને ચોમાસા દરમિયાન સર્જાતી જલભરાવની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા અંદાજે 9 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોને લીલી ઝંડી અપાઈ છે. આ માટે બાપુનગરમાં રૂ. 7,30,04,981ના ખર્ચે નવી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈન નખાશે. જ્યારે 137 બસ સ્ટેન્ડ રોડ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે રૂ. 1,74,02,843ના ખર્ચની દરખાસ્ત મંજૂર કરાઈ છે.
બાપુનગરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ રહેવાની જૂની સમસ્યાને દૂર કરવા માટે રૂ. 7,30,04,981 ના તોતિંગ ખર્ચે નવી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈન નખાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત અનિલ સ્ટાર્ચ મીલ રોડથી શરૂ કરીને ઇન્દુલાલ યાજ્ઞિક હોલ, બાપુનગર ચાર રસ્તા અને ચંદ્રશેખર આઝાદ રોડથી છેક એલ.બી.એસ તળાવ રોડ સુધી નેટવર્ક બિછાવાશે. પાણીના નિકાલની ક્ષમતા વધારવા માટે અહીં 450 mmથી લઈને 1200 mm સુધીના મોટા ડાયામીટરની પાઈપલાઈનનો ઉપયોગ કરાશે. સ્ટ્રોર્મ વોટરની સાથે સાથે વિસ્તારની સામાન્ય ગટર વ્યવસ્થાને પણ અપગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો છે. બાપુનગરના એમ.ડી મટન વિસ્તારથી 137 બસ સ્ટેન્ડ રોડ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે રૂ.1,74,02,843 ના ખર્ચની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ કામગીરીમાં 450 mm અને 600 mm ડાયામીટરની લાઈનો નાખીને ડ્રેનેજ બેક મારવાની કે ઉભરાવાની સમસ્યાનો અંત લાવવામાં આવશે. આ બંને કામગીરી પૂર્ણ થવાથી બાપુનગરના હજારો રહીશો અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને મોટી રાહત મળશે.
દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે મોટા ડાયામીટરની પાઈપલાઈન લાઈનો આવવાથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ શક્ય બનશે. આ કામગીરી માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરીદેવામાં આવશે, જેથી આગામી વર્ષોમાં લોકોને સુવિધાનો લાભ મળી શકે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો