અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિંધુ ભવન રોડ પર રૂ.570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ક્કઅમદાવાદ સિટી સ્ક્વેરક્ર પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કર્યું છે. 25 ઓક્ટોબરે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. બે પ્રિ-બિડ મીટિંગ બાદ અઢી મહિનામાં ટેન્ડર ફાઇનલ કરાશે. કામ શરૂ થયા બાદ 42 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ થશે. કુલ 13,144 ચો.મી. પ્લોટમાંથી 12,091 ચો.મી.માં બાંધકામ થશે. ત્રણ બેઝમેન્ટમાં 385 કાર, 1109 ટુ-વ્હીલર તથા સામે વધારાની 450 કારનું પાર્કિંગ રહેશે. 50 દુકાનો, આર્ટ ગેલેરી, 40 મીટરે 1200 લોકોની ક્ષમતાવાળી બે માળની રેસ્ટોરન્ટ, ટેરેસ કેફે, 175 મીટરે સ્કાય ડેક-વોક, 17 લિફ્ટ, સોલર ટ્રી અને અર્બન પ્લાઝા બનશે. જોકે, મ્યુનિ. કમિશનરની જાહેરાત છતાં સ્ટેન્ડિંગ ચેરમેન અને સભ્યોને વિગતો ન અપાતાં નારાજગીની ચર્ચા છે.
