પર્યુષણ પર્વ દરમિયાન શનિવારે સંવત્સરી પર્વ ઊજવાયું હતું, જેમાં જૈનોએ ભાવપૂર્વક સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હતું. આ પ્રસંગે જાણતાં-અજાણતાં કોઈનું મન દુભાવ્યું હોય કે ભૂલ થઈ ગઈ હોય, તેમજ દોષ, મતભેદ, મનભેદ, ક્રોધ, ઈર્ષ્યા કે અહંકાર થયાં હોય તે બદલ ક્ષમા યાચના કરવામાં આવી હતી. તેથી જ આ પર્વને ક્ષમાપના પર્વ પણ કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિથી જાણીજોઈને ભૂલ થઈ ગઈ હોય તો તેમણે આ પ્રસંગે પ્રતિક્રમણ કરતાં પહેલાં અને પછી પણ માફી માગવાની સાથે 'મિચ્છામિ દુક્કડમ્' પાઠવી ક્ષમા માગી હતી અને સામેની વ્યક્તિએ ક્ષમા માગનારને હૃદયપૂર્વક ક્ષમા પણ આપી હતી.

વધુમાં, આ પર્વ નિમિત્તે તપશ્ચર્યા કરનાર તપસ્વીઓનાં 16 સપ્ટેમ્બરે પારણાં થશે. પર્યુષણ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ 8 ઉપવાસ (અઠ્ઠાઈ), 16 ઉપવાસ, 30 ઉપવાસ (માસક્ષમણ) તેમજ સિદ્ધિતપ જેવા વિશિષ્ટ તપ કર્યા છે. આ તપ કરનાર અનેક તપસ્વીઓનાં જે તે સંઘમાં સામૂહિક પારણાં થશે, જ્યારે ઘણા તપસ્વીઓ વ્યક્તિગત રીતે ઘરે પણ પારણોત્સવ યોજશે.