સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી 14 ફેબ્રુઆરી, 2027ના રોજ ગુજરાતમાં પ્રથમ વખત વિશ્વપ્રસિદ્ધ આયર્નમેન 70.3 અમદાવાદ ઇન્ટરનેશનલ ટ્રાયથ્લોન સ્પર્ધાનું આયોજન કરાયું છે. આયર્નમેન ગ્રુપ દ્વારા ભારતમાં ગોવા બાદ હવે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, જે ગુજરાત પ્રવાસન વર્ષ 2026-27 અંતર્ગત રાજ્યને ગ્લોબલ સ્પોર્ટ્સ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશ-વિદેશના એથ્લીટ્સની શારીરિક ક્ષમતા અને માનસિક દૃઢતાની કસોટી થશે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે (www.ironman.com/races/im703-amdavad) પર સંપર્ક કરવાનો રહેશે. સ્પર્ધાનો પ્રારંભ 14 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે અટલ બ્રિજની નીચેથી સ્વિમિંગ સાથે થશે, જ્યાં એથ્લીટ્સ સાબરમતી નદીના શાંત પાણીમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ કરશે. ત્યારબાદ શહેરના માર્ગો અને રિવરફ્રન્ટને આવરી લેતા રૂટ પર 30 કિલોમીટરના ત્રણ રાઉન્ડમાં કુલ 90 કિલોમીટર સાઇકલિંગ કરશે. અંતિમ તબક્કામાં રિવરફ્રન્ટના વૉકવે પર ત્રણ રાઉન્ડમાં કુલ 21.1 કિલોમીટરની દોડ પૂર્ણ કરી અટલ બ્રિજ પરથી પસાર થઈ સમાપન સ્થળે પહોંચશે. આમ, ત્રણેય તબક્કા મળીને કુલ 113 કિલોમીટર (70.3 માઇલ)નું અંતર કાપવામાં આવશે. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે આ સ્પર્ધા શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરના આયોજન, સુરક્ષા અને પરિવહન વ્યવસ્થાઓનો મહત્ત્વપૂર્ણ અનુભવ પણ અપાવશે.
