શહેરના સૌથી વ્યસ્ત વ્યાપારી વિસ્તારોમાંના એક રિલીફ્ રોડ પર પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનું પ્રથમ આધુનિક રોટરી પાર્કિંગ ઊભું કરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રિલીફ્ રોડ અને આસપાસના વેપારી વિસ્તારોમાં આવતા વેપારીઓ, ગ્રાહકો તથા મુલાકાતીઓને પાર્કિંગ માટે સુવિધા મળી શકશે.
સંકુચિત જગ્યામાં મહત્તમ વાહનો પાર્ક કરી શકાય તેવા હેતુથી આ રોટરી પાર્કિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે જ્યાં માત્ર બે કાર પાર્ક થઈ શકે તેટલી જગ્યામાં આ વ્યવસ્થા દ્વારા એકસાથે આશરે ૧૨ કાર પાર્ક કરી શકાશે.એટલે કે સમાન જગ્યામાં પાર્કિંગ ક્ષમતામાં લગભગ છ ગણો વધારો થશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના જૂના અને ગીચ બજાર વિસ્તારોમાં જમીનની ઉપલબ્ધતા મર્યાદિત હોવાથી પરંપરાગત રીતે વધુ પાર્કિંગ ઉભું કરવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં રોટરી પાર્કિંગ જેવી ઊભી પાર્કિંગ વ્યવસ્થા મર્યાદિત જગ્યાના વધુ કાર્યક્ષમ ઉપયોગનો વિકલ્પ બનશે.રિલીફ્ રોડ,રતનપોળ અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ખરીદી તથા વેપાર માટે આવતા હોય છે. વાહન પાર્ક કરવાની યોગ્ય જગ્યા ન મળતાં રસ્તા પર વાહનો ઊભા રહેવાના કારણે ટ્રાફ્કિની સમસ્યા સર્જાતી હોય છે.રોટરી પાર્કિંગથી રૂટિન પાર્કિંગની સરખામણીએ ઓછી જમીનમાં વધુ વાહનો સમાવી શકાય છે. રતનપોળ ખાતે આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ શહેરના અન્ય ગીચ વિસ્તારોમાં પણ આવી વ્યવસ્થાની શક્યતાઓ ઊભી થઈ શકે છે.
