શહેરના અતિ વ્યસ્ત ગણાતા રેટિયાવાડીથી દિલ્હી દરવાજા તરફ્ જતા મુખ્ય માર્ગ પર તંત્ર દ્વારા સમારકામ માટે મોટો ખાડો ખોદીને બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ ખાડો ખોદ્યાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિક રહીશો અને રોજિંદા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. રસ્તાની બરાબર વચ્ચે જ અડચણરૂપ ખાડો ખોદીને આડશો મૂકી દેવાતા રસ્તો સાંકડો બની ગયો છે. પરિણામે, પીક અવર્સ દરમિયાન અહીં વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતી લાઇટિંગના અભાવે વાહનચાલકો માટે આ ખાડો અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યો છે. સ્થાનિક નાગરિકોમાં તંત્રની આ ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, તંત્ર ખાડો ખોદીને જાણે ભૂલી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. દિવસોથી કામગીરી બંધ હાલતમાં હોવાથી ધૂળ અને ટ્રાફ્કિની સમસ્યા વધી છે. હવે આ રસ્તેથી પસાર થતા દરેક નાગરિકના મનમાં એક જ સવાલ છે કે તંત્ર ક્યારે પોતાની નિદ્રામાંથી જાગશે અને આ ખાડાનું સમારકામ પૂર્ણ કરી રસ્તો ખુલ્લો મુકશે? લોકોની માંગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરે જેથી પ્રજાને પડતી મુશ્કેલીનો અંત આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો