ઉત્તરાયણ એટલે રંગીન પતંગ, આનંદ અને ઉત્સાહનો મહાપર્વ. પરંતુ એક સમય એવો હતો જ્યારે આ ખુશીઓ વચ્ચે અમદાવાદના ફ્લાયર ઓવર બ્રિજ પર દોરી વાગવાના કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવતા હતા.


પતંગના દોરાથી કપાતાં ગળા, અચાનક થતી દુર્ઘટનાઓ અને એક પળમાં નોધારા થનાર પરિવારો...આ હકીકતે શહેરના એક સંવેદનશીલ નાગરિક મનોજ ભાવસારને અંદરથી હચમચાવી દીધા.'કોઈ માતાનો લાડકવાયો કે કોઈ પરિવારનો આધાર માત્ર એક ચાઇનીઝ દોરીના કારણે છીનવાઈ ન જાય' આ વિચાર સાથે 19 વર્ષ પહેલાં અમદાવાદમાં 'મિશન સેફ્ ઉત્તરાયણ' અને 'મિશન હેપ્પી ઉત્તરાયણ' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર ફ્લાયર ઓવર બ્રિજ સુધી સીમિત રહેલું આ સેવા કાર્ય આજે સમગ્ર અમદાવાદમાં વિસ્તર્યું છે. મિશન સેફ્ ઉત્તરાયણ ફઉન્ડેશનના પ્રયાસોના કારણે ઉત્તરાયણ દરમિયાન બ્રિજ પર થતા દોરી વાગવાના અકસ્માતોમાં વર્ષોથી સતત ઘટાડો નોંધાયો છે. છેલ્લા 19 વર્ષથી કોઈ વિરામ વગર આ સેવા કાર્ય ચાલુ રાખવામાં આવી છે.આ વર્ષે સિટીના 33 બ્રિજ પર સુરક્ષા તાર બાંધવાની કામગીરી કરાઇ છે.

કોર્પોરેશનમાંથી મંજૂરી મેળવી 4 લાખ રૂપિયાનો સ્વ-ખર્ચ કરી તાર બાંધવામાં આવ્યા

કોર્પોરેશનમાંથી જરૂરી મંજૂરી મેળવી,આ વર્ષે અંદાજે 3.30થી 4 લાખ રૂપિયાનું ખર્ચ આ કામગીરી પાછળ કર્યો છે. આ ખર્ચ મનોજ ભાવસાર અને તેમના અંગત મિત્રોના સહયોગથી ઉઠાવવામાં આવે છે. કોઈ સરકારી સહાય વિના, સંપૂર્ણપણે સ્વૈચ્છિક ભાવનાથી આ અભિયાન આગળ વધારવામાં આવે છે. આ અંગે વાત કરતા મિશન સેફ ઉત્તરાયણના મનોજભાઇ ભાવસારે કહ્યું કે, શહેરની અંદર જ્યાં વાહનવ્યવહાર વધુ હોય અને જ્યા દોરી વાગવાના બનાવો બનવાની શક્યતા વધારે હોય એવા બ્રિજોને ખાસ ઓળખીને ત્યાં પ્રાથમિકતા આધારિત સુરક્ષા તાર બાંધવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના કુલ 33 બ્રિજ પર સુરક્ષા તાર બાંધવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જોકે, કેટલાક બ્રિજ પર ઈલેક્ટ્રીક પોલની વ્યવસ્થા ન હોવાને કારણે ત્યાં તાર બાંધવાનું શક્ય બની શક્યું નથી.ઉતરાયણની મજા કોઈ પરિવારના આંસુમાં ફેરવાઈ ન જાય એ જ અમારું લક્ષ્ય છે.19 વર્ષથી ચાલી રહેલું આ અભિયાન માત્ર અકસ્માત રોકવાનો પ્રયાસ નથી, પરંતુ માનવતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે,જે સાબિત કરે છે કે એક સારો વિચાર અને સતત પ્રયત્ન અનેક જીવ બચાવી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: