દસ્ક્રોઈ તાલુકાના અસલાલી ગ્રામ પંચાયતની હદમાં આવેલી ગૌચરની જમીનમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે ઉભા ઝાડ કાપવામાં આવતા હોવાની ફરિયાદોને પગલે ગ્રામપંચાયતના પ્રતિનિધિઓએ છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ઝાડ કાપી રહેલા 7 જેટલા શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ટ્રેક્ટર, ટ્રોલી, ઝાડ કાપવાના કટર સહિતના સાધનો કબજે કરીને ગ્રામપંચાયત ખાતે જમા કરાયા છે.
અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં અસલાલી ગ્રામ પંચાયતના સભ્ય સંજયસિંહ ડાભી, સભ્ય લાલભાઈ રબારી તેમજ ડેપ્યુટી સરપંચ બળદેવભાઈ ઠાકોરને ગૌચરની જમીનમાં કિંમતી વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ થતું હોવાની સતત ફરિયાદો મળી રહી હતી. ફરિયાદોની ગંભીરતા ધ્યાનમાં રાખી તેમણે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન ગૌચરની જમીનમાં ઝાડ કાપી રહેલા 7 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં સફ્ળતા મળી હતી. તેમજ સ્થળ પરથી લાખો રૂપિયાની કિંમતનું ટ્રેક્ટર, ટ્રોલી, ઝાડ કાપવાના કટર તેમજ અન્ય હથિયારો અને સાધનો કબજે કરવામાં આવ્યા હતા. હાલ તમામ સામગ્રી અસલાલી ગ્રામપંચાયત ખાતે સુરક્ષિત રાખવામાં આવી છે.
