યુએસની કોર્ટે આરોપો પડતા મુક્યા તે પછી બુધવારે અદાણી જુથના પરિવારને આપેલા એક ભાવાત્મક સંદેશમાં જુથના ચેરમેન ગૌતમ અદાણીએ નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે આ આરોપો પડતા મુકાયા તેને પગલે તેઓ કોઇ વિજય થયો હોય એવો ભાવ અનુભવતા નથી અને આ અનુભવને કારણે ન્યાયતંત્રમાં તેમને જે વિશ્વાસ હતો તે વધુ મજબૂત બન્યો છે. આ ઉપરાંત જ્યારે મુશ્કેલીનો સમય આવે ત્યારે પ્રતિબદ્ધતાનું મહત્ત્વ કેટલું વધી જાય છે તેનો અનુભવ પણ તેમને થયો છે.

અદાણી જુથના કાર્યક્રમ અપની બાત, અપનો કે સાથની બીજી એડિશનમાં જુથના કર્મચારીઓને સંબોધતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવાથી આત્મવિશ્વાસ વધે છે અને ખાસ કરીને મુશ્કેલીના સમયમાં તો સૌએ પોતાના મૂલ્યોને વળગી રહીને જે સાચું હોય એવું કાર્ય જ કરવું જોઇએ. આ કેસ જેના સંદર્ભમાં હતો તે અંગેના આક્ષેપો થયા તેને પગલે ગ્રુપે લોંચ કરેલો રૂ. 20,000 કરોડનો ઇશ્યુ સંપૂર્ણપણે ભરપાઇ થઇ ગયો હોવા છતાં તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો તે હકીકતને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ કાયદાકીય અધિકાર કરતાં વિશ્વાસનું મહત્ત્વ ઘણું જ વધારે છે. સમગ્ર દુનિયાનું ધ્યાન આ કેસ તરફ હતું ત્યારે જુથના કર્મચારીઓ, સપ્લાયર, કોન્ટ્રાક્ટર, વેન્ડર્સ અને પાર્ટનર્સે શાંતિપૂર્વક બિઝનેસને આગળ વધારવા પર ધ્યાન આપ્યું હતું અને ગ્રાહકોની સેવા કરી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરી હતી. આ બદલ તેમણે આ તમામનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ કેસ દરમિયાન ગ્રુપને ખૂબ ટીકાનો મારો સહન કરવો પડયો હતો, પરંતુ આવી ટીકાઓને ખરેખર આત્મનિરીક્ષણની એક તક તરીકે જોવી જોઇએ.