બનાસકાંઠા જિલ્લામાં ડીસા બાદ હવે ચંડીસર જીઆઈડીસીમાં પણ નકલીનો કારોબાર ધમધમતો થયો હોવાની રાવ ઉઠી છે. અગાઉ ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જેની સામે ત્રણ ત્રણ વાર કાર્યવાહી કરવામાં આવી છે અને સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ પણ ફેઈલ થયા છે. આમ નકલી ઘી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ પણ ફરીવાર એ જ વ્યક્તિએ નવા સ્થળે નકલીનો કારોબાર શરૂ કર્યો હોવાની બાતમીના આધારે ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા મોડી સાંજે ચંડીસર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 101માં રેડ કરતાં ઘી બનાવનાર શખ્સ ફેક્ટરીને તાળું મારી નાસી છુટયો હતો. ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શટરની નીચેના ભાગે ખુલ્લી જગ્યામાં જોતા તેમાં ઘી બનાવવા માટેની સામગ્રી અને ઘીના ડબ્બા દેખાતા હોઈ ફેક્ટરીને સીલ કરી ફેક્ટરી માલિકને હાજર થવા માટે નોટિસ ચીપકાવી રાતભર કાર્યવાહી કરી હતી. પેઢીના માલિકને હાજર થવા જાણ કરી બીજા દિવસે હાજર થવા માટે રાહ જોઈ હતી. પરંતુ બીજા દિવસે હાજર ન થતાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગઢ પોલીસ મથકે લેખિતમાં જાણ કરી ફેક્ટરી સંચાલકને હાજર રહેવા માટે જરૂરી પ્રક્રિયા માટે જણાવ્યુ હતુ. પરંતુ ઘી બનાવનાર વ્યક્તિ હાથ લાગ્યો ન હતો. આથી ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગઢ પોલીસને લેખિતમાં જાણ કરતાં ફેક્ટરી આગળ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે.


જીઆઈડીસીમાં વધુ એક ઘીની ફેક્ટરી હોવાની બાતમીના આધારે ફુડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરતા શ્રી સેલ્સ નામની વધુ એક પેઢી પણ મળી આવી હતી. આમ એક જ નામની બે પેઢીના ગોડાઉન અને ફેક્ટરી મળી આવતા બંને સ્થળે સીલ કરી અને શ્રી સેલ્સના સંચાલક ભાવેશકુમાર અશોકભાઈ ચોખાવાલાના નામે નોટિસ ચોંટાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત ચોથી વખત રેડ છતાં કાળો કારોબાર ચાલુ હતો. આ સંચાલક સામે અધિક કલેક્ટર કોર્ટમાં કેસ પણ ચાલુ છે. ફુડ એન્ડ ડ્ગ વિભાગના પરવાના વિના ઘી બનાવવાની ફેક્ટરી ધમધમતી હતી. બંધ બોડીના કેરેજવાનમાં સપ્લાય કરાતું હતું. ઘીને દાણાદાર બનાવવા ફ્રીજ પણ ચાલુ હતું. કેટલો જથ્થો છે તે કહેવું મુશ્કેલ હોવાનું અધિકારીએ કહ્યું હતું

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: