અમદાવાદમાં સોમવારે સવારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં જ સાયન્સ સિટી અને થલતેજ વોર્ડમાં સૌથી વધુ બબ્બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાતા પ્રી-મોન્સૂન કામગીરીના મસમોટા દાવાઓ વચ્ચે સોમવારે બોપલ, ઘુમા ઉપરાંત શહેરના મેયરના પોતાના થલતેજ વોર્ડમાં ઢીંચણ સમાન પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો હતો. સોમવાર રાત સુધીમાં અમદાવાદમાં મોસમનો કુલ 20.15 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હાલ વાસણા બેરેજના 4 ગેટ ફ્રી-ફ્લો રાખવામાં આવ્યા છે. સવારના માત્ર એક કલાકના વરસાદમાં જ સ્ટર્લિંગ સિટી સેક્ટર-એ અને બી માં પાણી ભરાતાં રહીશોને હાલાકી ભોગવવી પડી હતી. ઢાળની પોળમાં આવેલી ઉપલી શેરી ખાતે એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. શિલજ સર્કલ પાસે ભેખડ ધસી પડતાં જેસીબીની મદદથી માટી દૂર કરવી પડી હતી. સિંધુભવન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો