અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વટવા વિસ્તારમાં જૂની અને અંગત અદાવતનો બદલો લેવા માટે જાહેર રોડ પર એક યુવક પર લાકડીઓ વડે નિર્દયાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કંપારી છૂટી જાય તેવી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોઈને વટવા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મારામારીની ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર છે. વટવાના મુખ્ય માર્ગ પરથી જ્યારે ફરિયાદી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આરોપીઓ હાથમાં લાકડીઓ અને ઘાતક હથિયારો લઈને તેના પર તૂટી પડ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપીઓ ફરિયાદીને રસ્તા પર પાડીને બેરહેમીથી ફટકારી રહ્યા છે અને આસપાસના લોકો ભયના માર્યા ભાગી રહ્યા છે.

 બંને પક્ષો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

આ કેસમાં સૌથી મોટો વળાંક એ છે કે હુમલો કરનાર આરોપીઓ અને ભોગ બનનાર ફરિયાદી, બંને પક્ષો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બંને સામે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે. ભરબજારે થયેલા આ આતંકના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વટવા પોલીસે ગુનો નોંધી પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ ગેંગવોર જેવી સ્થિતિ પાછળ અન્ય કયા સાગરીતો સામેલ છે તેની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો-----     Surat : વસતી ગણતરીના પહેલા જ દિવસે ફિયાસ્કો, કીટ ન મળતા શિક્ષકો રોષે ભરાયા, સેન્ટર અલગ-અલગ જગ્યાએ ફાળવાતા વિરોધ