શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા બેટી બચાવો ગાર્ડનના પાર્કિંગમાં ચોરીની ઘટના સામે આવી છે. 3 નવેમ્બરે સાંજે સોનાના દાગીના ખરીદવા રોકડ લઈને નીકળેલી મહિલાના પાર્ક કરેલા એક્ટિવાની ડેકી તોડી અજાણ્યા તસ્કરો રૂ. 3.15 લાખ ભરેલી બેગ ચોરી ગયા હતા. જેના અનુસંધાને નિકોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. નરોડા શ્રીરામ કુટિરમાં રહેતા 24 વર્ષીય ગોપીબેન રથવી ઘરેથી સોનાના દાગીના ખરીદવા રૂ. 2.50 લાખ રોકડા લઈને નીકળ્યા હતા. ત્યારબાદ તેમણે બે આંગડિયા પેઢીમાંથી પણ નાણાં મેળવ્યા હતા. આ તમામ રૂ 3.15 લાખની રકમ તેમણે પોતાના એક્ટિવાની ડેકીમાં સુરક્ષિત રીતે મૂકી દીધી હતી. તેમણે પોતાની બહેનપણીને ફોન કરીને નિકોલના બેટી બચાવો ગાર્ડન પાસે પહોંચવાનું જણાવ્યું હતું. સાંજે પોણા 6 વાગ્યાની આસપાસ તેઓ ત્યાં પહોંચ્યા હતા. ગોપીબેને પોતાનું એક્ટિવા ગાર્ડનના પાર્કિંગમાં વ્યવસ્થિત પાર્ક કર્યું હતું. ત્યારબાદ તેઓ બહેનપણી સાથે થોડો સમય ગાર્ડનમાં ફરવા ગયા હતા. થોડીવાર બાદ પરત આવીને ગોપીબેને એક્ટિવાની ડેકીમાંથી દુપટ્ટો કાઢવા પ્રયત્ન કર્યો ત્યારે ડેકીનું લોક તૂટેલું જણાયું હતું. અંદર તપાસ કરતાં ડેકીમાં મૂકેલી રૂ. 3.15 લાખ રોકડ ભરેલી બેગ ગાયબ હતી. પાર્કિંગમાં ચોરી થતાં મહિલાએ તાત્કાલિક સમગ્ર ઘટના અંગે પોતાના પતિને જાણ કરી હતી. તેમણે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસ્યા હતા. આ સમગ્ર બનાવ સંદર્ભે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
