ભાઈપુરા વોર્ડમાં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક રહીશોનો પ્રચંડ આક્રોશ આજે ફટી નીકળ્યો હતો.


ભગવતીનગરની ચાલીના નાકે મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ માટલા ફેડી મ્યુનિસિપલ કોર્પોરેશનના બીનકાર્યક્ષમ વહીવટ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સવારના સમયે પૂરતા પ્રેશરથી ચોખ્ખું પાણી આપવામાં નહીં આવે, તો સેંકડો નાગરિકો મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ઘેરાવો કરશે અને ઉગ્ર આંદોલન છેડશે. 15થી 20 સોસાયટીઓના લોકો પાણી માટે વલખાં મારે છે

ભાઈપુરા વોર્ડમાં આવેલ ભગવતીનગરની ચાલી, ભવાનીનગર, મહાવિમલ નગર, આનંદ નગર, કૈલાશ નગર, ગંગા નગર અને લખાભાઇની ચાલી સહિતના અંદાજે 15 થી 20 જેટલા વિસ્તારોમાં મુખ્યત્વે શ્રામજીવી અને મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારોમાં છેલ્લા 8 માસથી પાણીની ભારે અછત પ્રવર્તી રહી છે.

સ્થાનિકોની મુખ્ય માંગણીઓ

સવારના સમયે પાણીઃ આ વિસ્તારમાં મોટાભાગના લોકો મજૂરીકામ સાથે સંકળાયેલા હોવાથી તેઓને સવારના સમયે પૂરતા પ્રેશરથી પાણી આપવામાં આવે જેથી તેઓ સમયસર કામ પર જઈ શકે. શુદ્ધ પાણીની સુવિધાઃ પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે. બે ટાઈમ સપ્લાયઃ અન્ય વિસ્તારોની જેમ બે સમય પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગણી કરી હતી.

નેતાઓની આગેવાનીમાં ઉગ્ર દેખાવો કોર્પોરેશનના અધિકારીઓ વિસ્તારના રાઉન્ડ પર હતા, ત્યારે માનવ અધિકાર ગ્રૂપના પ્રમુખ અને કાઉન્સિલર તથા સશક્ત નાગરિક સંગઠનના પ્રમુખ ની આગેવાનીમાં સ્થાનિક લોકોએ તેમને ઘેરી લીધા હતા.

સ્થાનિકોમાં પાણીજન્ય રોગ વધવાની શક્યતા

સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, સાંજે જે પાણી આવે છે તે પણ અત્યંત ઓછું અને પ્રદૂષિત હોય છે. પ્રદૂષિત પાણીના કારણે નિર્દોષ બાળકો અને વૃદ્ધો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. પંપીંગ સ્ટેશન નજીક હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે હજારો નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: