વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ સ્ટેજ-3 માં ભારતીય પેરા-આર્ચરી (તીરંદાજી) ટીમે શાનદાર પ્રદર્શન કરતા બે ગોલ્ડ અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ છ મેડલ પોતાના નામે કર્યા છે. બુધવારે રમાયેલી અંતિમ દિવસની મેચોમાં વિશ્વની નંબર વન તીરંદાજ શીતલ દેવી અને બે વખતની પેરાલિમ્પિક મેડાલિસ્ટ હરવિંદર સિંહની આગેવાનીમાં ભારતે આ ઐતિહાસિક સફ્ળતા મેળવી હતી. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીએ પેરા કમ્પાઉન્ડ વુમેન્સ વ્યક્તિગત ઇવેન્ટમાં કઝાકિસ્તાનની આઈઝાદા સેદાન સામેની ફાઇનલમાં શૂટ-ઓફ્માં શીતલે જબરદસ્ત સંયમ જાળવીને ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું. મેચની શરૂઆતમાં બંને ખેલાડીઓએ પરફેક્ટ 30 સ્કોર કર્યો હતો અને બીજા રાઉન્ડના અંતે બંને 59 ના સ્કોર પર બરાબરી પર હતા, ત્યારબાદ શીતલે નિર્ણાયક લીડ મેળવી લીધી હતી. આ ઉપરાંત શીતલે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી તરફ્, હરવિંદર સિંહ અને ભાવનાની જોડીએ પેરા રિકર્વ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ચીનની જોડી લિયાંગ કિયુરોંગ અને ઝિયા લેઈને સીધા સેટમાં 6-0 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ 35-31, 36-33 અને 34-32 ના સ્કોરથી સળંગ ત્રણ સેટ જીતીને ચીનનો ક્લીન સ્વીપ કર્યો હતો. આ સુવર્ણ સફ્ળતા ઉપરાંત ભાવનાએ પેરા રિકર્વ વુમેન્સ વ્યક્તિગત ઇવેન્ટના બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફ્માં ભારતની જ રાજશ્રી રાઠોડને 6-0 થી હરાવીને વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. જ્યારે તોમન કુમારે ભારતના મેડલ ટેલીમાં વધારો કરતા બે બ્રોન્ઝ મેડલ (કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ અને પેરા કમ્પાઉન્ડ મેન્સ વ્યક્તિગત ઇવેન્ટમાં) પોતાના નામે કર્યા હતા.
