અમદાવાદના સિંધુભવન રોડ (SBR) ,બોપલ કે સાયન્સ સિટીના કોઈ વાઇબ્રન્ટ કાફેમાં નજર કરશો તો એક ચિત્ર કોમન જોવા મળશેઃ એક જ ટેબલ પર ચાર મિત્રો બેઠા છે, પણ ચારેયના હાથમાં ડિવાઇસ છે. કોઈ AI ટૂલથી પ્રેઝન્ટેશન બનાવે છે, કોઈ રીલ્સ સ્ક્રોલ કરે છે, તો કોઈ ઓનલાઈન મીટિંગમાં વ્યસ્ત છે. આ ટેબલ પર બધું જ એક્ટિવ છે, સિવાય કે 'વાતચીત' . રાઈટર અને મીડિયા રિસર્ચર પાર્થ શર્માએ અમદાવાદના 4000 યુવાનો પર કરેલા ખાસ સરવે અને ઓબ્ઝર્વેશનમાં એક ચોંકાવનારો પ્રશ્ન સામે આવ્યો છે. આપણું शहर સ્માર્ટ તો બની રહ્યું છે, પણ શું આપણા યુવાનો ધીમે-ધીમે 'લેસ હ્યુમન' (ઓછા માનવીય) અને ઈમોશનલી ડિસ્ટન્ટ થઈ રહ્યા છે? 2030 તરફ્ દોડતા અમદાવાદની આ એક એવી ડિજિટલ વાસ્તવિકતા છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે તેવી છે. આ અંગે વાત કરતા પાર્થે કહ્યું કે, આગામી 2030 સુધીમાં અમદાવાદ AI વર્કપ્લેસ, ઓટોમેટેડ સિસ્ટમ્સ અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દેશનું અગ્રણી ડિજિટલ હબ બની જશે, જે વિકાસ માટે જરૂરીપણ છે. પરંતુ ભવિષ્યનો સૌથી મોટોપડકાર ટેક્નોલોજી નથી, પણ હ્યુમન કનેક્શન જીવંત રાખવાનો છે. મશીનો ગણતરી કરી શકશે, લોજિકલ વિચારી શકશે, પણ સહાનુભૂતિ , સાચી હાજરી અને હૂંફ્ ક્યારેય મશીન નહીં આપી શકે.
