નશીલા પદાર્થોના કાળા કારોબાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા, અમદાવાદની વિશેષ અદાલતે એમ.ડી. ડ્રગ્સ  કેસમાં આરોપી મનીષ તિવારીને દોષિત જાહેર કરી 10 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. કોર્ટે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, ગુનાખોરીના માર્ગે ગયેલા તત્વોને સુધારવા અને સમાજમાં દાખલો બેસાડવા માટે કડક સજા આપવી અત્યંત જરૂરી છે.

મકાનમાંથી આશરે 18 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો

આ કેસની વિગતો મુજબ, વર્ષ 2017માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક ચોક્કસ બાતમીના આધારે શહેરના કેડીલા બ્રિજ પાસે આવેલા એક મકાન પર દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને મકાનમાંથી આશરે 18 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં કેફી દ્રવ્યો મળી આવતા ક્રાઈમ બ્રાંચે મનીષ તિવારી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

મનીષ તિવારીનો ગુનાહિત ઇતિહાસ

મનીષ તિવારી માત્ર ડ્રગ્સના વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સના કેસ પહેલા પણ આરોપી મનીષ તિવારી એક હત્યાના કેસમાં દોષિત ઠર્યો હતો, જેમાં તેને અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.અગાઉની સજા કાપી રહેલા આરોપીને હવે ડ્રગ્સના આ કેસમાં વધારાની 10 વર્ષની સજા થતા તેની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.

કોર્ટે સંભળાવ્યો ચૂકાદો

ચુકાદો સંભળાવતી વખતે ન્યાયાધીશે નોંધ્યું હતું કે, ડ્રગ્સ જેવી બદીઓ યુવા પેઢીને બરબાદ કરી રહી છે. જ્યારે કોઈ વ્યક્તિ ગુનાહિત માનસ ધરાવતી હોય અને વારંવાર ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હોય, ત્યારે કાયદાનું શાસન જાળવી રાખવા માટે આવી સજા જરૂરી બની જાય છે. આ ચુકાદાથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસની કામગીરી પર મહોર વાગી છે.


  • Follow us on: