ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીથી રાહતના સંકેતો આપ્યા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવા સંકેતો આપ્યા છે. તેમણે મે મહિનામાં ફરી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. ગુજરાતમાં ગરમીને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. પરંતુ હવે ધીમે ધીમે તાપમાનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હાલ 40થી 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીમાં ઘટાડો થશે. આઠમી મે બાદ ફરી તાપમાન વધી શકે છે. મે મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે.













