અમદાવાદમાં મેટ્રોનો ઉપયોગ વધુ લોકો સુધી પહોંચે તે માટે AMC દ્વારા નવી પાર્કિંગ સુવિધા ઊભી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશન સુધી ખાનગી વાહન લઈને આવતા મુસાફરોને પાર્કિંગની સમસ્યા ન પડે તે માટે આશરે 40 જેટલી જગ્યાઓ પાર્કિંગ માટે શહેરમાં નિર્ધારિત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉદ્દેશ્ય આ “પાર્ક એન્ડ રાઈડ” મોડલને પ્રોત્સાહન આપવાનો છે.

ઘણા પાર્કિંગ પ્લોટ સ્ટેશનથી દૂર

જોકે AMCની આ યોજના અંગે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. માહિતી મુજબ શોધાયેલા 17 પ્લોટમાંથી 8 પ્લોટ મેટ્રો સ્ટેશનથી અંદાજે 500 મીટર જેટલા દૂર આવેલા છે. જેના કારણે મુસાફરોને વાહન પાર્ક કર્યા બાદ સ્ટેશન સુધી ચાલીને જવું પડશે. ખાસ કરીને ઉનાળો અથવા વરસાદી મોસમ દરમિયાન આ અંતર મુસાફરો માટે અસુવિધાજનક બની શકે છે. હાલમાં માનવામાં આવી રહ્યું  છે કે થલતેજ મેટ્રો સ્ટેશન જ એવું સ્થળ છે જ્યાં પાર્કિંગ સીધું સ્ટેશન નજીક ઉપલબ્ધ છે.

શરૂઆતમાં ફ્રી પાર્કિંગ, બાદમાં ચાર્જની શક્યતા

AMC દ્વારા શરૂઆતમાં પાર્કિંગ સુવિધા મફત રાખવાની યોજના બનાવાઈ છે, જેથી વધુમાં વધુ લોકો તેનો ઉપયોગ કરે. જોકે આગામી સમયમાં પાર્કિંગ માટે ચાર્જ વસૂલવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના ટ્રાફિક દબાણને ઘટાડવા અને મેટ્રો સેવા વધુ લોકપ્રિય બનાવવા માટે આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, પરંતુ પાર્કિંગ અને સ્ટેશન વચ્ચેનું અંતર ઘટાડવું પણ એટલું જ જરૂરી બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો