અમદાવાદ શહેરને ટ્રાફિક અને ગેરકાયદે દબાણોથી મુક્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે વર્ષ 2025 દરમિયાન આક્રમક કામગીરી કરી છે. અમદાવાદ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લાખો ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

17.08 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાઈ

AMC એસ્ટેટ વિભાગની વિવિધ ટીમો દ્વારા શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો. વર્ષ 2025 દરમિયાન કુલ 17.08 લાખ ચોરસ મીટર જગ્યા પરથી દબાણો હટાવી તેને મૂળ સ્થિતિમાં લાવવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ રસ્તાઓ પહોળા કરવાનો અને જાહેર સુવિધાની જમીન પર થતા અતિક્રમણને અટકાવવાનો છે.

કાચા-પાકા અને રોડ પરના દબાણો પર 'બુલડોઝર'

અમદાવાદ મનપાની આ કામગીરીમાં રહેણાંક અને બિન-રહેણાંક એમ બંને પ્રકારના બાંધકામોનો સમાવેશ થાય છે. રહેણાંક વિસ્તારોમાં નડતરરૂપ એવા 1,050 કાચા અને 2,213 પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. વ્યવસાયિક કે અન્ય હેતુ માટે વપરાતી જગ્યાઓ પરના 568 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રોડ પર નડતરરૂપ એવી 4,216 મિલકતો (જેમાં દુકાનોના વધારાના હિસ્સા અને રસ્તા પર આવતા મકાનના ભાગોનો સમાવેશ થાય છે) હટાવવામાં આવી છે.

અમદાવાદ શહેરના વિકાસ માટે કડક વલણ

AMC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતા દબાણોને કારણે પીક અવર્સમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, જેને ધ્યાનમાં રાખીને 'રોડ લાઇન' માં આવતા તમામ દબાણોને દૂર કરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabada News: પ્રદૂષિત પાણીની બોટલ સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ, શહેરમાં ટેકસ ભરે છે શહેરીજનો પણ સુવિધાના નામે મીડું